નદીના પટમાં……….

20/05/2015

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

– આદીલ મન્સૂરી.

સાજન મારો સપનાં જોતો

23/12/2010

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી
સાજન મારો સપના જોતો …

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી
સાજન મારો સપના જોતો …

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ
સાજન મારો સપના જોતો …

– મૂકેશ જોષી

મારો પરિચય

09/04/2007

મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.

દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.

મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.

સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?

કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.

હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.

જગત ખેંચી રહ્યું છે એક તરફ,
બીજી તરફ જન્નત,ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.

કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે

– બરકત વિરાણી ‘બેફામ’

શું વળે ?

20/02/2007

વાત બીજે વાળવાથી શું વળે ?
ને હકીકત ખાળવાથી શું વળે ?

આપણે તો આપણે, બસ આપણે
જાત બીંબે ઢાળવાથી શું વળે ?

ફક્ત કિરણ એક ઝીલી ના શક્યા
સૂર્ય આખો ચાળવાથી શું વળે ?

દોસ્ત, ઇચ્છાવન બહુ ઘેઘૂર છે
ડાળખી ફંગોળવાથી શું વળે ?

આપણો વિસ્તાર છે ફળિયા લગી
ગામને ઢંઢોળવાથી શું વળે ?

આંખ છે ખુલ્લી અને ઝોલે ચડ્યા
દીપ ઝળહળ બાળવાથી શું વળે ?

-શિવજી રૂખડા

ચૂમી છે તને

11/02/2007

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

-મુકુલ ચોકસી

એક છોકરીના હાથથી રૂમાલ પડે

09/02/2007

એક છોકરીના હાથથી રૂમાલ પડે,
તે લેવા આખું યે ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે ; બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે ,
તે બાબત પર ઠેર ઠેર ગરમી.

પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર,
અને નાસ્તિકો થઇ ગયા ધરમી,
કારણ કે મંદિરે જાય છોકરી તો લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને ,
તે જીવની ગંભીરતામાં પડી ગયો ગોબો,

સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે ,
જરા મોઢાંઓ માંજો ને શોભો !
કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી એકલી બેસીને રોજ હીંચે.

-રમેશ પારેખ.

પ્રેમ એટલે કે

09/02/2007

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો

પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય
છે મુશાયરો

પ્રેમ એટલે કે…

-મુકુલ ચોક્સી

મૌન

08/02/2007

હું તને ઝરણું મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને દરિયો મોકલું ,
ને તું જવાબમાં મૌન મોકલે.
હું તને પંખી મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને આભ મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
જા, હવે બહુ થયું,
હું હવે મૌન વહેતું કરું છું.
ને તું,
મારાં આભ, દરિયો અને પાંખ
પાછા મોકલ…

-લતા હિરાણી

મળી આવે

06/02/2007

સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે,
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે.

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં,
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે.

ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર,
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે.

ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ,
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે.

ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં,
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે.

– હિતેન આનંદપરા